સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે પ્રથમ કેબિનેટની બેઠક બોલાવી હતી. બેઠકમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક નુકશાની મુદે ચર્ચા કરી હતી. રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન અંગે બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધારાની સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની રૂ. ૩૮૦૦ની સહાય, મંત્રીમંડળે વધારાના રૂ. ૩ર૦૦ની સહાય આપીને પરિવાર દીઠ રૂ. ૭૦૦૦ ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના રૂ. ૪૧૦૦માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ૯૦૦ મળી હવે ઝૂંપડા દીઠ રૂ. ૧૦ હજારની સહાય અપાશે. આ ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે.