રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યું અંગે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે : વિજય રૂપાણી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સુરત ખાતે ખાસ બેઠક કરી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય અધિકારી જયંતી રવિએ ખાસ હાજરી આપી હતી. સુરત સહીત રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

સુરતમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ હતી. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સહીત સુરત કોર્પો.અધિકારી, કલેક્ટર, રાજ્ય સરકારના સ્પે.ઓફિસર એમ.થેનારાશન વગેરે પણ હાજરી આપી હતી. કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી સંક્રમણને અટકાવવા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી છે.

આ બેઠક બાદ પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ચાર મહાનગરોમાં કોરોનાના કેસ વધ્યા છે. સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ કેસો વધ્યા છે. છેલ્લાં 1 વર્ષથી કોરોના સામે લડતાં આવ્યાં છીએ પણ હજુ સ્થિતિને જોતા લાગે છે કેસ વધશે. કેસ વધતા ડરવાની જરૂર નથી, સાવધાની રાખવાની જરૂર છે. અત્યાર સુધીમાં 70 લાખ વેક્સિન લગાવાઈ છે. રાજ્યમાં ઝડપથી વેક્સિન લોકોને લાગે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
તમામ લોકો વેક્સિન લગાવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. તો સાથે રાજ્યના લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે લોકોને ઓછામાં ઓછું સંક્રમણ થાય. આજે 1 લાખ 20 હજાર સુધી ટેસ્ટિંગ થયા છે. ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ માટે પણ સરકારે 104ની વ્યવસ્થા કરી છે. દર્દીને હોસ્પિ.માં ઝડપથી બેડ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિ.માં ફુલ ટ્રિટમેન્ટ આપવાની છુટ પણ આપવામાં આવી છે.

હાઇકોર્ટના નિર્દેશ અંગે નિર્ણય લેવાશે
રાજ્યમાં બાળકોમાં કોરોના સંક્રમિત ન બને તે માટે શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યું અંગે તેમણે કહ્યું હતું કે કોર કમિટીની બેઠક બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
રેમડેસિવિર ઇન્જેક્શન માટે નવો ઓર્ડર આપ્યો છે. રાજય સરકારે ઇન્જેક્શનો 3 લાખનો ઓર્ડર આપ્યો છે. આજે 2500 રેમડેસિવિર સુરતમાં પહોંચશે. સાથે સાથે સુરતની ખાનગી હોસ્પિટલને પણ રેમડેસિવિરનો જથ્થો અપાશે. જો કે આ રેમડેસિવિર ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં મફત અપાશે. રાજ્ય સરકાર દ્વારા સુરતને નવા વેન્ટિલેટર આપશે. સુરતને નવા 300 વેન્ટિલેટર મળશે. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સીએમએ આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *