ગુજરાતની 10મી વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ નિશ્ચિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે મોટો પડકાર આ સમિટના મૂડીરોકાણનો છે. કોરોના સંક્રમણના સમયમાં જ્યારે ઉદ્યોગોની આર્થિક સ્થિતિ કથળી છે ત્યારે આ સમિટમાં ક્યા પ્રકારના કેવા ઉદ્યોગો મૂડીરોકાણ કરવા માટે આગળ આવે છે તે કહેવું અશક્ય છે, કારણ કે રાજ્યમાં માઇક્રો, સ્મોલ અને મિડલ ઉદ્યોગોની હાલત સૌથી વધુ ખરાબ થઇ છે.ગુજરાતની વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ માટે મુખ્યમંત્રી અને સિનિયર અધિકારીઓ પ્રતિદિન અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યાં છે. 2021માં મુલતવી રહેલી 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાજ્યના ઉદ્યોગ અને તેને સંલગ્ન વિભાગો જેવાં કે ઇન્ડેક્ષ્ટા-બી, પ્રવાસન નિગમ, ઉદ્યોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે.