રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી વડોદરા જિલ્લામાં ચાલતી 1962 પશુ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા શિંગડાથી પીડિત ગાયનું ઓપરેશન કરી જીવતદાન આપ્યું હતું.
કરુણા એમ્બ્યુલન્સ ટીમના જૈમિન દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 27 જૂનના રોજ બપોરે એક ગાય વડોદરાના સમા વિસ્તારમાં પીડાઇ રહી હોવાની જાણ થતાં તુરંત જ 1962 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.
પોતાના શિગડાથી અસહ્ય પીડાથી પીડિત ગાયને જોઇ ટીમના સભ્યો ચોંકી ઉઠ્યાં હતા. ગાય છેલ્લા કેટલાક દિવસોથી પીડાતી હતી. સ્થળ પર પહોંચેલી ટીમના ડો. અનસૂલ અગ્રવાલ અને પાયલોટ અજીતભાઇએ ગાયની સ્થિતિ જોતાં ખબર પડી કે આ ગાયની સર્જરી જો તાત્કાલિક કરવામાં આવશે તો જ તેનો જીવ બચાવી શકાશે.
તુરંત જ તેઓએ બીજી એનિમલ એમ્બ્યુલન્સના ડો. કુંજ પટેલ, પાઇલોટ ગૌતમભાઈ તથા બીજા ડો. સંદીપભાઈને સ્થળ પર બોલાવી લીધા હતા. દરમિયાન કરુણા એમ્બ્યુલન્સની બંને ટીમે ભેગા મળીને ગાયના શિંગડાનું ઓપરેશન 2 કલાક સુધી કરીને તેની પીડા દૂર કરીને અને તેનો જીવ કાળના મુખમાંથી છીનવી લીધો હતો અને ગાયનો જીવ બચાવ્યો હતો.