ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ખડગપુરે JEE એડવાન્સ્ડ 2021નું પરિણામ આજે 15 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે ઉમેદવાર પોતાનુ પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. વિદ્યાર્થીઓ તેમના JEE એડવાન્સ્ડ રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરીને પોતાનું પરિણામ ચકાસી શકે છે. JEE એડવાન્સ્ડ પરિણામ સાથે, IIT ખડગપુરે ઓલ ઈન્ડિયા ટોપર્સ અને અન્ય માહિતીની યાદી પણ જાહેર કરી છે. IIT પ્રવેશ પરીક્ષા 3 ઓક્ટોબરના રોજ દેશભરના પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટૉપ 100માં ગુજરાતના 10 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો છે, જ્યારે અનંત કિડામબીએ 13મો, પરમ શાહે 52મો રેન્ક, લિસને કડીવારે 57મો અને પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો છે. ઓલ ઓવર ઇન્ડિયા ટૉપ 100માં ગુજરાતના 10 જેટલા વિધાર્થીઓએ મેદાન મારતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. 57મો રેન્ક મેળવનાર લિસનના પિતા ચાની કીટલી ચલાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા લિસનના પરિણામથી પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જયપુરના મૃદુલ અગ્રવાલે JEE એડવાન્સ્ડમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું છે. મૃદુલ અગ્રવાલે 360માંથી 348 સ્કોર કર્યા છે, જે JEE-Advanced ના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. એલન કારકિર્દી સંસ્થાના વિદ્યાર્થી મૃદુલ અગ્રવાલે 360 માંથી 348 એટલે કે 96.66 ટકા માર્ક્સ મેળવ્યા છે. આ પહેલા મૃદુલે પણ JEE મેઇન્સમાં ટોપ કર્યું હતું. મૃદુલ JEE એડવાન્સમાં ટોપ કરીને હવે IIIT મુંબઈથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગે છે. તે ભવિષ્યમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને દેશ માટે કંઈક નવું કરવા માંગે છો. મૃદુલ મૂળ જયપુરનો છે. તેના પિતા પ્રદીપ અગ્રવાલ એક ખાનગી ફર્મમાં એકાઉન્ટ મેનેજર છે, જ્યારે માતા પૂજા અગ્રવાલ ગૃહિણી છે. તેમણે JEE એડવાન્સ સફળતા પાછળ માતા અને ટીચર્સને શ્રેય આપ્યો હતો અને કહ્યું કે આખું વર્ષ તેમણે મને અભ્યાસ માટે ઘણો પ્રેરિત કર્યો છે. મૃદુલે ધોરણ 10માં 98.2 ટકા અને 12માં ધોરણમાં 98.66 ટકા મેળવ્યા છે. JEE મેઇનમાં ઓલ ઇન્ડિયા રેન્ક -1 મેળવવાની સાથે, તેણે BITSATમાં 428 માર્ક્સ મેળવ્યા છે.