કોરોનાના કેસ ઘટતા રાજય સરકારે તૈયારી શરૂ કરી. ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નવી સરકારનુ ફોક્સ રોજગાર પર હશે. આ વખતે તા.9થી તા.13મી જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય તેવી સંભાવના છે.
કોરોનાને કારણે ગત વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ શકી ન હતી. આ વખતે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના ઘણી ઓછી છે. પાંચ કરોડથી વધુ લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે ત્યારે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા તૈયારીઓ આરંભી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વૈપાર ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું. અત્યારે ઉદ્યોગભવનમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજવા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ વિભાગે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર પ્રસાર માટે પ્રિન્ટીંગ મટિરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડયા છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતમાં કયા દેશોને આમંત્રણ આપવુ, વીઆઇપી મહેમાનો માટે કેટલી હોટલોમાં રૂમો બુકિંગ કરાવવા, કેટલી કારો સહિત ટ્રાન્સપોર્ટેશનની શુ વ્યવસ્થા કરવી તે અંગે અત્યારથી આયોજન કરવામાં આવી રહ્યુ છે. ટૂંકમાં, રાજ્ય સરકારે ઉતરાયણ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવા આયોજન કર્યુ છે