દુબઈ એક્સપોમાં અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ BAPS મંદિરનું 3D મોડલ રજૂ કરાયું

વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ 3D મોડલ જોઇ પ્રભાવિત થયા. અબુ ધાબીમાં આકાર લઈ રહેલા BAPSના ભવ્ય હિન્દુ મંદિરનું 3D મોડલ દુબઈ એક્સપો 2020ના ઇન્ડિયન પેવેલિયનમાં દર્શાવવામાં આવ્યું છે. ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આ 3D ટ્રાન્સલ્યુસન્ટ ક્રિસ્ટલાઈન મોડલનું ડિજિટલી નિરીક્ષણ કર્યું હતું અને તેનાથી અત્યંત પ્રભાવિત થયા હતા. અબુ ધાબીમાં બનનારું આ પ્રથમ હિન્દુ મંદિર હશે. આ થ્રીડી મોડલનું નિરીક્ષણ કર્યા બાદ ગોયલે જણાવ્યું હતું કે “અબુ ધાબીમાં આ BAPS હિન્દુ મંદિર નિર્માણ પરિપૂર્ણ થયા બાદ અદભૂત હશે.” તેમણે આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે પુરું થશે તે અંગે પણ પૂછપરછ કરી હતી. ગોયલે શુક્રવારે આ એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈ ઓપેરા હાઉસમાંથી વીડિયો કોન્ફરન્સ મારફત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના આ સ્વામીનારાયણ મંદિરની ફેબ્રુઆરી 2018માં શિલારોપણ વિધી કરી હતી. તે સમયે વડાપ્રધાને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન પણ કર્યું હતું. આ ભવ્ય BAPS મંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ ડિસેમ્બર 2019માં થયો હતો. હાલમાં 15 ફૂટની ઊંચાઈ સુધી નિર્માણ થયું છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સાત શિખર અને પાંચ અલંકૃત ગુંબજ સાથે આ મંદિર એક અજાયબી બનશે. મંદિર યુએઇ અને વિશ્વભરના ભક્તો માટે એક તીર્થસ્થાન બનશે.ગોયલે જણાવ્યું હતું કે નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયા બાદ આ મંદિર યુએઇની એક શ્રેષ્ઠ વિશેષતા બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *