ભરૂચમાંથી અનેક કુખ્યાત ગુનેગારો ઝડપાય ચુકયાં છે ત્યારે હવે આ યાદીમાં જુહાપુરાના અહઝર કીટલીનું નામ ઉમેરાયું છે. હત્યા, લુંટ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલો અઝહર ભરૂચમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની બાતમી મળતાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડી તેને દબોચી લીધો છે. ગુજરાત એટીએસની ટીમે રવિવારે કુખ્યાત ગુનેગાર અઝહર ઇસ્માઇલભાઇ શેખ ઉર્ફે અઝહર કીટલીને ભરુચ ખાતેથી ઝડપી પાડયો છે. અઝહર કીટલી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 25 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી, મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુનાઓ કરી નાસતો ફરતો હતો. ભરૂચથી અઝહર કીટલી ઝડપાયો ત્યારે તેની પાસેથી પિસ્તોલ, તમંચો, જીવતા કારતુસ, છરો અને ચપ્પુ સહિતના ઘાતક હથિયારો મળી આવ્યાં છે. આરોપી અને તેના સાગરીતોએ સાથે મળીને સાતેજમાં આઠ મહિના પહેલાં 1.5 કરોડની લૂંટ ને અંજામ આપ્યો હતો.