કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદમાં GMDC હોલ ખાતે DRDO કોવિડ હોસ્પિટલનું તેઓ નિરીક્ષણ તેમજ શુભારંભ કરશે. અમદાવાદમાં કોરોનાને લઈને પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે.
રાજ્યમાં 24 કલાકમાં 13,000 હજાર કરતાં વધારે નવા દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમાં 5,000 કરતા વધારે દર્દીઓ માત્ર અમદાવાદમાં નોંધવામાં આવ્યા છે. જેમાં હોસ્પિટલો ફૂલ છે. બેડની કમીને દૂર કરવા માટે અમદાવાદમાં DRDO એ 900 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. જેમાં તમામ તૈયારીઓની ચકાસણી કરાશે.
કોરોના દર્દીની એન્ટ્રીથી લઈ તેને બેડ સુધી પહોંચાડી સારવાર કરવા અંગેની તમામ સુવિધાઓ ચકાસવામાં આવશે. ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા તેમજ DRDO તરફથી કર્નલ બીશ્વજીત ચૌબે દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે.
24 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 900 બેડ હોસ્પિટલનો શુભારંભ કરાશે. 108 એમ્બ્યુલન્સના માધ્યમથી પહોંચનાર કોરોનાના દર્દીને સારવાર આપવામાં આવશે. શરૂઆતમાં 50 -50 દર્દીઓની સારવારથી 900 બેડ હોસ્પિટલ શરૂ થશે. DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે.
તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે. ઓક્સિજનનો સપ્લાય સરળતાથી મળે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે. 150 ડોકટર, 10 ફિઝિશિયન, 6 એનેસ્થેટીસ્ટ 350 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરશે.
હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનું જરૂરી કામ ગુજરાત યુનીવર્સીટીના કર્મચારીઓ સાંભળશે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોકટર કમલેશ ઉપાધ્યાય, તેમજ ડોકટર જયદીપ ગઢવી, ડોકટર પાર્થિવ મહેતા દ્વારા પણ જરૂરી તાલીમ નવા આવેલા સ્ટાફને આપવામાં આવી છે.