રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુદર વધારે નોંધાઈ રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ઓકિસજનની અછતઉભી થઇ છે ત્યારે રાજકોટના ભાજપના MLA અરવિંદ રૈયાણીએ ડિપોઝિટ વગર ઓક્સિજનના બાટલા આપવાનું શરૂ કર્યું છે તો ધોરાજીમાં કોંગી MLA લલિત વસોયાએ રેમડેસિવિર ઇન્જેક્શન માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી છે. અને જામકંડોરણા કન્યા છાત્રાલયમાં જયેશ રાદડિયાએ 264 બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યું. રાજકોટ શહેર અને જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ધારાસભ્યો પોતાની જનતા માટે મેદાને આવ્યા છે. રાજકોટના ધારાસભ્ય પૈકી મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી લોકોની સેવા માટે આવ્યા છે. જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય ખાતે સંસ્થાના સંપૂર્ણ હવાઉજાસવાળા એટેચ ટોઈલેટની સુવિધા સાથેના 132 રૂમનાં 267 બેડ સાથેના બિલ્ડિંગમાં રાજ્ય સરકારની મંજૂરીથી આજુબાજુના વિસ્તારના કોરોના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટર 11 એપ્રિલથી કાર્યરત કરાવવામાં આવ્યું છે. ત્યારે બીજા ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ઇન્જેક્શનનો જથ્થો સમયસર મળી રહે એ માટે આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જનતાની મદદએ આવ્યા છે. ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પોતાને મળતી ગ્રાન્ટમાંથી ધોરાજી અને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓને સમયસર આસાનીથી મળી રહે એ માટે બન્ને સરકારી હોસ્પિટલમાં રૂપિયા 5-5 લાખની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષે કોરોના પેન્ડેમિક દરમિયાન ઉપલેટા-ધોરાજી સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10-10 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, જેનો સદુપયોગ થયો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને આ વખતે માત્ર ઇન્જેક્શન માટે જ ગ્રાન્ટ ઉપયોગ કરવી એ અંગે ભલામણ કરી છે.
કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન પ્રમાણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. ત્યારે દર્દીઓને ઓક્સિજન માટે ખૂબ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી ગત 16 એપ્રિલથી રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કોઇપણ પ્રકારની ડિપોઝિટ વગર ઓક્સિજન-સિલિન્ડર આપવાની સેવા શરૂ કરી છે. 200 નવાં સિલિન્ડર્સ સેવાકાર્ય માટે અવિરત ચાલુ રાખશે. હાલ 200 સિલિન્ડર્સ આપ્યાં બાદ 80 લોકોનું વેઇટિંગ પણ ધારાસભ્યના કાર્યાલય પર ઓક્સિજન-સિલિન્ડર મેળવવા નોંધાયું છે. તંત્રની કામગીરીને લોકો અને નેતાઓ સાથ આપી કોરોનામાં દર્દીઓ ને મદદ કરી શકાય અને મહામારી દૂર કરવા એક બને એ જરૂરી છે.