ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના વધતા કેસોથી ૨૦ થી વધુ શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખી દેવામાં આવ્યો છે. તો કેટલાક શહેરોમાં સ્વયંભુ કર્ફ્યુંની અથવા તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં રસ્તા પર જ્યાં પણ નજર પડે એમ્બ્યુલન્સ જ નજરે પડી રહી છે. એવી સ્થિતિમાં લોકોમાં હવે કોરોના વાઈરસનો ડર વધી રહ્યો છે. લોકોમાં ડરનું વાતાવરણ નાં સર્જાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યું દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. તો સાથે ખાનગી એમ્બ્યુલન્સના સાયરન લગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
રાત્રી દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી બાજુ કોરોનાના સતત વધતા કેસને કારણે રાજ્યમાં ઘણા સ્થળો પર ઓક્સીજન ની અછત ઉભી થઈ છે. જેને પગલે રાજ્યમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ પર સરકારનું સીધું મોનીટરીંગ રાખવા સુચના આપવામાં આવી છે. દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક કરાઈ છે.. ઓક્સિજન સપ્લાય વાહન પર ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી મોનીટરીંગ પોલીસ રાખશે. હાલ રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે. કોરોનાને લીધે ઓક્સિજનનો વપરાશ વધ્યો છે. અન્ય રાજ્ય પણ ઓક્સિજન જથ્થાની માંગ કરી રહ્યા છે. અન્ય રાજ્યને ઓક્સિજન જથ્થો ન આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.
