અમદાવાદ સિવિલ હોસ્પિટલની બેદરકારી પરિવારે સ્વજને ખબર પૂછવા ફોન કર્યો ત્યારે સામેથી જવાબ મળ્યો કે ‘તમારા સગા મૃત્યુ પામ્યા છે’, પરિવારનો કલાકો સુધી જાણ ન કરતાં હોવાનો આક્ષેપ.

સિવિલમાં દાખલ થવાં માટે દર્દીઓની એમ્બ્યુલન્સની લાંબી લાઇનોની સાથે મૃતદેહ લેવા પણ લાંબી લાઇનો લાગે છે, પરંતુ હોસ્પિટલ દ્વારા દર્દીના મૃત્યુની જાણ પણ પરિવારને ના કરાતી હોવાનો બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ અને સોલા વિસ્તારમાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધાની ખબર પૂછવા માટે સગાએ ફોન કર્યો હતો, પણ હોસ્પિટલ દ્વારા વૃદ્ધાના મૃત્યુની જાણ કરાતાં પરિવારે હોસ્પિટલ તંત્રની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું, મૃત્યુ પછી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે વિધિ કરવી પડતી હોવાથી 2 કલાક જેટલો સમય લાગે છે. કોરોના થતાં 3 દિવસથી 1200 બેડ હોસ્પિટલમાં દાખલ હતાં, જેથી શુક્રવારે સવારે 10.30 વાગે અમે ખબર પૂછવા હેલ્પલાઇન પર ફોન કરતાં તેમનું મૃત્યુ થયાની જાણ કરી હતી. હોસ્પિટલએ બેદરકારી રાખી ને અમને મૃત્યુની પણ જાણ કરાઇ ન હતી, જેથી તેમનું મૃત્યુ ગુરુવારે થયું કે શુક્રવારે તેની અમને કોઇ ખબર જ નથી. સિવિલ સુપરિન્ટેન્ડન્ટે ડો.જયપ્રકાશ મોદીને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે દર્દીના મૃત્યુ બાદ ડેડબોડીને વોર્ડમાંથી શિફ્ટ કરવાથી લઇને સેનિટાઇઝ કરીને નીચે લાવતાં બે કલાક જેટલો સમય લાગતો હોવાથી નીચે આવ્યાં પછી સગાને જાણ કરાય છે. કેટલાક કિસ્સામાં સગાનો સામેથી ફોન આવી જતાં તેમને મૃત્યુની જાણ કરાય છે. થોડાં સમય પહેલાં જ એક મહિલા દર્દીનું મૃત્યુ થતાં તેના પરિવારના સભ્યોએ ડૉક્ટરોની બેદરકારીનો આક્ષેપ મૂકી આઇસીયુ વોર્ડમાં તોડફોડ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *