જીએમડીસી ગ્રાઉન્ડમાં આવેલા કોમ્યુનિટી હોલમાં 900બેડની હોસ્પિટલ શરૂ થઈ જશે. સમગ્ર રાજ્ય હાલ કોરોનાને કારણે મુશ્કેલીઓ છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ દર્દીઓને ક્યાં લઈ જવા એ એક મોટો પ્રશ્ન છે. હોસ્પિટલઓ ફૂલ છે. એ માટે હવે તંત્ર દ્વારા કોમ્યુનિટી હોલમાં હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા GMDC હોલમાં રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ ખાસ કોરોનાના દર્દીઓને માટે શરૂ થઈ રહી છે. 900 બેડની કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરુર વધારે પડે તો વધુ 500 પથારીઓ આવી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઊભી કરાશે.જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડૉ. હિમાંશુ પંડ્યા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ્ય મદદ આપશે.