શહેરમાં કોરોનાના કેસ રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1907 કેસ નોંધાયા છે. શહેરમાં દર બે મિનિટે 3 મનુષ્ય પોઝિટિવ આવ્યા છે. હવે 4 દિવસમાં જ કેસ બમણા થઈ રહ્યા છે. જ્યારે 20 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 624 બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટરના તો માત્ર 22 બેડ ખાલી છે. શહેરમાં સરકારના ચોપડે એક્ટિવ કેસનો આંકડો 5705 પર પહોંચ્યો છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના બેડ મર્યાદિત છે. માટે જ્યાં સુધી ઓક્સિજનની જરૂર ન હોય અથવા ગંભીર સ્થિતિ ન હોય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળો. જેથી જે દર્દીઓને અત્યંત જરૂર છે તેમને બેડ મળી શકે. રોજ કેસનો આંકડો ઊંચે જઈ રહ્યો છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ ગંભીર બની ગઈ છે. ઓક્સિજનની જરૂરિયાત વધતાં સિવિલની 1200 બેડ હોસ્પિટલની ઓક્સિજનની 20 ટનની ટેન્ક દિવસમાં 3 વાર ભરવી પડે છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ કહ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થતાં છેલ્લાં બે દિવસ દરમિયાન 250 એમ્બુલન્સ દ્વારા દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, જેને કારણે સિવિલ કેમ્પસની 1200 બેડ સહિતની કોવિડની સારવાર આપતી હોસ્પિટલોમાં 90 ટકા જેટલા બેડ ભરાઇ ગયા છે. તેમજ ગંભીર હાલતમાં આવતાં હોસ્પિટલોમાં 80 ટકા દર્દી ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે.સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી માટેના 400 બેડમાંથી 362 બેડ ભરાઇ ગયા છે.