સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોરેટોરિયમમાં વ્યાજ માફીની માગ કરતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણી કરતાં લોનધારકોને વચગાળાની રાહત આપી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, બેન્કોએ બે મહિના માટે લોનધારકોના ખાતાઓને એનપીએ ( Non-performing assets ) જાહેર કરવા જોઇએ નહીં તેમજ બેન્કોએ લોનધારકો સામે દંડાત્મક પગલાં લેવાં નહીં. બેન્કો દ્વારા કરાયેલી રજૂઆતને રેકોર્ડમાં લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ૩૧મી ઓગસ્ટ સુધી એનપીએ જાહેર નહીં થયેલા લોનના ખાતાઓને બેન્કોએ વધુ આદેશ ન અપાય ત્યાં સુધી NPA જાહેર કરવા નહીં.
ઉલ્લેખનીય છે કે જો કોઇ લોનનો EMI સતત ત્રણ મહિના સુધી જમા કરવામાં ન આવે તો બેંક તેને NPA જાહેર કરે છે. NPA એટલે કે બેંક તેને ફસાયેલું ઋણ માની લે છે. આવા લોનધારકોનું રેટિંગ ખરાબ થઇ જાય છે અને ભવિષ્યમાં તેમને લોન મળવામાં મુશ્કેલી થાય છે.
કેન્દ્ર સરકારે લોન મોરેટોરિયમ પર સોમવારે પોતાનું સોગંદનામું રજૂ કર્યુ છે. સરકારે સંકેત આપ્યા છે કે મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય તેમ છે. જો કે આ સુવિધા અમુક જ સેક્ટરને આપી શકાય તેમ છે. અને વ્યાજ પર વ્યાજના કેસમાં RBI નિર્ણય લશે.
સરકારે યાદી સબમિટ કરી છે કયા સેક્ટરને રાહત આપી શકાય તેમ છે. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે જણાવ્યું છે કે અમે એવા સેક્ટરની ઓળખ કરી રહ્યાં છે જેમને રાહત આપી શકાય તેમ છે. આ માટે તેમને કેટલુ નુકસાન થયું તે વાત ધ્યાનમાં રાખવામાં આવશે. જેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં હવે વધારે મોડુ કરી શકાય તેમ નથી.