સુશાંતસિંહ રાજપૂત કેસમાં CBI ની ટીમ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કેટલાક મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે. રિયા ચક્રવતીનું કનેક્શન ડ્રગ ડીલિંગની સાથે જોડાયેલા હોવાના સમાચાર મળ્યા પછી NCBએ પણ રિયાની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના DGએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક ટીમ ડ્રગની સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. ત્યારે બીજીબાજુ રિયાના ભાઈ શૌવિકની DRDO ગેસ્ટ હાઉસમાં CBI પૂછપરછ કરી રહી છે.
સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે જણાવ્યુ કે CBI પૂરતા પૂરાવા મેળવ્યા પછી જ રિયાની ધરપકડ કરશે. જો CBI પૂરાવાઓ વગર રિયાની ધરપકડ કરશે તો તેને તરત જમાનત મળી જશે અને તે આ કેસ માટે નુકસાનકારક સાબિત થશે.
ED એ રિયા ચક્રવતીના પિતા ઈંદ્રજીત ચક્રવર્તીને ફરી સમન્સ મોકલ્યું છે. EDએ પહેલા પણ તેની પૂછપરછ કરી છે. EDએ રિયાના ડિલીટ થઈ ગયેલા વોટ્સએપ ચેટ રિકરવ કર્યા હતા જેમાં ડ્રગને લઈને વાતચીત સામે આવી છે.
CBI ની ટીમ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની સૌથી પહેલા પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ તપાસ એજન્સી શૌવિક સાથે પૂછપરછ કરી ચૂકી છે. આ પહેલા CBIની ટીમ બે ગાડીઓમાં સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા DRDO ગેસ્ટ હાઉસ પહોંચી હતી. આ ગેસ્ટહાઉસમાં CBI આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
રિયા ચક્રવતીના ડ્રગ ચેટ સામે આવ્યા પછી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પણ રિયાની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. તે ઉપરાંત રિયાના ભાઈ શૌવિક ચક્રવતી, મેનેજર જયા સાહા, ગૌરવ આર્યા સાથે રિયાના મિત્રોની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. NCBના ડાયરેક્ટર જનરલે જણાવ્યું છે કે આ અંગેની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. જે મુંબઈ જવા માટે રવાના થઈ છે. મુંબઈની NCB ટીમને પણ આદેશ આપવામાં આવ્યા છે કે તે મુંબઈમાં ડ્રગ ડિલરોની તપાસ શરૂ કરે. સાથે જ મુંબઈની ટીમને બોલિવૂડ નેટવર્ક ઉપર પણ ધ્યાન લગાવવાનું કહેવામાં આવ્યું છે.
CBI એ વોટરસ્ટોન રિસોર્ટના મેનેજરને પણ સમન્સ મોકલ્યું છે. આ રિસોર્ટમાં સુશાંત અને રિયાએ 2 મહિના સુધી રોકાણ કર્યું હતું. એવી વાત જાણવા મળી હતી કે સુશાંતની સાથે કોઈ મેલીવિદ્યા કરવામાં આવી હતી.