ઉમરેઠમાં ખેતરનું પાણી ડાંગરના પુળામાં જતું હોય પાણી બંધ કરવાનું કહેતાં માથામાં પાવડો મારી ઈજા કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ વાંટા વિસ્તારમાં ભરતસિંહ પ્રભાતસિંહ પુવાર પોતાના પરિવાર સાથે રહે છે. અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. ભરતસિંહ પુવારનું ખેતર ઉમરેઠ સુથારની તલાવડી સીમ વિસ્તારમાં આવેલુ છે. જેમા ડાંગરનો પાક કરેલ હોઈ ડાંગરના પુળા ખેતરમાં પડયા હતા. ત્યારે નજીકમાં રહેતા જયેન્દ્રસિંહ જસવંતસિંહ પુવાર, જયદિપસિંહ જસવંતસિંહ પુવાર અને લીલાબેન જસવંતસિંહ પુવારના ખેતરના ઢાળીયાનું પાણી ભરતસિંહ પુવારના ખેતરમાં પડેલા ડાંગરના પુળા નીચે ગયું હતું. જેથી ભરતસિંહ પુવારે પાણી બંધ કરવાનું જણાવતા ત્રણેય જણાએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી પાવડાથી ભરતસિંહ પુવાર તેમજ કોકીલાબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે ભરતસિંહ પ્રભાતસિંહ પુવારની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.