ઉત્તર ગુજરાતનું વાતાવરણ અનુકૂળ બનતાં 15મી ઓક્ટોબરથી શિયાળુ વાવણીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. કૃષિ વિભાગ આગામી સપ્તાહથી વાવણીના આંકડા એકત્રિત કરવાનું શરૂ કરશે. પરંતુ તે પહેલાં આ શિયાળુ સિઝનમાં 10.74 લાખ હેક્ટર જમીનમાં વાવણી થવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતાં ઓછો છે. જેમાં પિયત કારણભૂત બની શકે છે. મહેસાણા જિલ્લામાં ગત વર્ષે શિયાળુ સિઝનમાં 1.88 લાખ હેક્ટર વાવેતર સામે આ સિઝનમાં 1.71 લાખ હેક્ટરનો અંદાજ છે. એટલે કે 17 હજાર હેક્ટર ઓછું વાવેતર થવાનો અંદાજ છે.
એજ રીતે પાટણ જિલ્લામાં ગત વર્ષના 1.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 1.77 લાખ એટલે કે 11 હજાર હેક્ટર ઓછું વાવેતર અંદાજાયું છે. બનાસકાંઠામાં ગત વર્ષના 4.97 લાખ હેક્ટરની સામે આ વર્ષે 4.82 લાખ હેક્ટર વાવેતરનો અંદાજ છે. જે 15 હજાર હેક્ટર ઓછું દર્શાવે છે. સાબરકાંઠામાં પણ ગત વર્ષના 1.41 લાખ હેક્ટરની સામે 1.27 લાખ હેક્ટર વાવેતરનો અંદાજ છે. જે 14 હજાર એક્ટર ઓછું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 71 હજાર હેક્ટર ઓછું વાવેતર થવાનો અંદાજ છે. જેમાં ગત વર્ષે 1.31 લાખ હેક્ટર થયું હતું, જેની સામે આ વર્ષે 1.17 લાખ હેક્ટર વાવેતર અંદાજાયું છે.