કેરળમાં ભારે વરસાદ બાદ 5 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, અલાપ્પુઝા, પલક્કડ, મલાપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડનો સમાવેશ થાય છે. કોટ્ટાયમ જિલ્લામાં કુટિકલમાં ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે, તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 14 લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના પ્લાપલ્લીમાં બની હતી. અહીં 3 મકાનોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે કેરળમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
રેસ્ક્યુ ટીમ રવિવારે સવારે કુટ્ટીક્કલ પહોંચી ગઈ છે, પરંતુ બ્રિજને નુકસાન થવાના કારણે ઓપરેશન શરૂ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. કેરળમાં વરસાદ બાદ પઠાનમથિટ્ટામાં મનિયાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે, તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. કન્યાકુમારી જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. અહીંના થિરપરાપ્પુ ધોધમાં પૂર આવી ગયું છે. જેમાં કેરળના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ દર્શાવવામાં આવી છે. તે સ્પષ્ટ દેખાય છે કે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને લોકો તેમાં ફસાયેલા છે. કોટ્ટયમ પણ એવા પાંચ જિલ્લાઓમાંનો એક છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ નદીઓ નજીક પર્વતો પર જવાનું ટાળવું જોઈએ. આ સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ઓછા દબાણવાળા પવનોને કારણે કેરળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં 17 અને 18 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ, 19 ઓક્ટોબરે વરસાદમાં થોડો ઘટાડો થઈ શકે છે. સરકારે માછીમારોને ચેતવણી આપતા શનિવારે અને રવિવારે દરિયામાં ન જવાની સલાહ આપી છે.