હાઈપરસોનિક મિસાઇલને આંતરવી અને તેનાથી બચવું પણ ખૂબ મુશ્કેલ હોય છે. બૅલેસ્ટિક મિસાઇલની જેમ જ હાઈપરસોનિક મિસાઇલો પણ પરમાણુ હથિયારથી સજ્જ હોય છે અને તેનું વહન કરવા સક્ષમ હોય છે. આ મિસાઇલ અવાજની ગતિ કરતાં પણ પાંચ ગણી વધારે ઝડપથી ઊડી શકે છે. હાઈપરસોનિક મિસાઇલ બૅલેસ્ટિક મિસાઇલની સરખામણીમાં ખૂબ વધારે ઝડપથી લક્ષ્યપ સાધી શકે છે. હાઈપરસોનિક મિસાઇલને આંતરવી અને તેનાથી બચવું પણ ખૂબ મુશ્કેલ હોય છે. અમેરિકા અને અન્ય અમુક દેશોએ બૅલેસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ માટે રક્ષાત્મક માળખું વિકસાવી લીધું છે. જોકે, હાઈપરસોનિક મિસાઇલને ટ્રેક કરવા અને તેને તોડી પાડવા અંગેની તેમની ક્ષમતા અંગે હજી કોઈ ચોક્કસ માહિતી નથી. અમેરિકાના કૉંગ્રેસનલ રિસર્ચ સેન્ટર (સીઆરએસ) અનુસાર ચીન આક્રમક રીતે હાઈપરસોનિક તકનીક વિકસાવી રહ્યું છે. તાઇવાન મામલે ચીન આક્રમક બની રહ્યું છે અને એ કારણે અમેરિકા સાથેનો સંબંધ તણાવપૂર્ણ બન્યો છે. આ ઉપરાંત ચીનનો ભારત સાથેનો પણ સરહદી વિવાદ છે અને ભુતાન સાથેની નવી સંધિને પગલે સંબંધોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે હાલ આ બાબતે કોઈ નિવેદન નથી આપ્યું.