ભાવનગર શહેરમાં આ વર્ષે પણ પ્રોફેશનલ રાસ-ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં ન આવી હોવાથી શેરી, ગલ્લીઓ સાથે સોસાયટીઓના કોમન પ્લોટમાં રાસ-ગરબાના આયોજનોએ જમાવટ કરી હતી, રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ એ ઘર આંગણે યોજાયેલા ગરબાના કાર્યક્રમોમાં મન મૂકીને ગરબે રમ્યા હતાં આ આયોજનોને પગલે ઘર આંગણે યોજાતા રાસ-ગરબાની રોનક ફરી આવી છે લોકો પણ ખૂબ ઉત્સાહ સાથે આવા આયોજનોમાં જોડાયા હતાં.
ભાવનગર શહેરના રૂપાણી સર્કલમા આવેલ અમીધારા સોસાયટીમા નવરાત્રી મહોત્સવની ઉજવણીનો ગઈ કલ થી પ્રારંભે પ્રથમ નોરતે જ સોસાયટીના બહેનો મોટી સખ્યામાં ગરબા લેવા માટે જોડાઈ હતી, અહીં છેલ્લા 25 વર્ષ થી સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમૂર્ત સોસાયટીમાં દરવર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સોસાયટીના બાળકો, મહિલાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
કોરોના મહામારી ના બે વર્ષ ના પ્રતિબંધ બાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક નિયમો સાથે જાહેર સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો યોજવાની મંજૂરી રાજ્ય સરકારે આપી આથી બે વર્ષના અંતરાલ પછી યોજાઈ રહેલ કાર્યક્રમો ને લઈને લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.