રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 48 કલાકથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મુજબ, 29 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાં 207 રસ્તા બંધ છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત તથા રાજકોટ સહિત 20 જિલ્લામાં 207 રસ્તા ભારે વરસાદને પગલે રસ્તા પાણીમાં ડૂબી જવાથી અથવા તો ધોવાઈ જતાં બંધ કરવા પડ્યા હતા, જેમાં 6 સ્ટેટ હાઈવે, 197 પંચાયત રોડ તથા 1 નેશનલ હાઈવેનો સમાવેશ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 40 માર્ગ તથા સુરતમાં 37, નવસારીમાં 24 અને ડાંગમાં 20 રસ્તાઓ બંધ છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પૂર્વ અસરના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે અને એ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.