ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં 10.72 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 6.52 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના 14 જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
જિલ્લાના 14 લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ અલર્ટ કરવામાં આવ્યા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. 24 કલાકમાં સાપુતારામાં 10.72 ઇંચ વરસાદ, આહવામાં 6.52 ઇંચ, વઘઇમાં 5 ઇંચ, સુબિરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.