નીટ સુપર સ્પેશ્યાલિટીની પ્રવેશ પરીક્ષાની પેટર્ન બદલવાના વિરોધમાં ૪૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સે અરજી કરી હતી. એ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને આગામી સાત દિવસમાં એ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો છે.નીટ સુપરસ્પેશ્યાલિટીની પ્રવેશ પરીક્ષા ૧૩-૧૪ નવેમ્બરે લેવાશે. એ પહેલાં પરીક્ષાની પેટર્ન બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો . ૪૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં એ પેટર્નની સામે સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધી નીટ એસએસની પરીક્ષામાં ૪૦ ટકા જનરલ મેડિસીનના સવાલો પૂછાતા , ૬૦ ટકા સુપર સ્પેશ્યાલિટીના સવાલો પૂછાતા . તેના બદલે નવી પરીક્ષા પેટર્નમાં જાહેરાત થઈ હતી કે બધા જ સવાલો જનરલ મેડિસીનના જ પૂછાશે. કેન્દ્ર સરકારની નવી પરીક્ષા પેટર્ન સામે ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સત્તાની રમતમાં યુવા ડોક્ટરોને ફૂટબોલની જેમ ફંગોળવાનું બંધ કરો. આ ડોક્ટરોને અસંવેદનશીલ અમલદારોના ભરોસે ન મૂકી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, આ વર્ષથી જ શું કામ આ પેટર્ન અમલી બનાવવી છે અને એવી શું ઉતાવળ છે તેની સ્પષ્ટતા કરવાની તાકીદ પણ કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને કરી છે. નવી પેટર્ન આગતા વર્ષે અમલી બનાવવાની દિશામાં કેમ વિચારાયું નથી? આ વર્ષે જ ઉતાવળે અમલી બનાવવા પાછળ સરકારનો અને મેડિકલ કાઉન્સિલનો શું ઈરાદો છે? એવા અણિયાળા સવાલો સુપ્રીમ કોર્ટે પૂછ્યા હતા.