રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી જ આકાશ ખુલ્લું જોવા મળી રહ્યું છે. ગોંડલમાં સવારે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. બાદમાં ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થઇ ગયા હતા. વરસાદને કારણે વાતારવરણ ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ શહેરમાં પણ ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા છે.
ગોંડલના કોલેજ ચોક, કપુરીયા ચોક, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ગોંડલમાં એક દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં પણ હજી ધોધમાર વરસાદની આશા બંધાઇ છે.
બુધવારે ગોંડલમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. શહેરના ઉમવાડા અંડરબ્રિજમાં કાર ફસાઇ હતી. તેમજ ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી નદી-નાળા છલકી ગયા હતા. ભારે વરસાદથી કપાસ, મગફળી, એરંડા, મગ, અડદ, મકાઇ સહિતના પાકને નવું જીવનદાન મળ્યું છે.