રાજકોટમાં કોરોના પ્રતિરોધક રસી માટે આજે પણ વેક્સિનેશન કેન્દ્ર પર વહેલી સવારથી જ લોકોની લાઇનો જોવા મળી હતી. પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો ન હોવાને કારણે વેક્સિનેશનના મહાઅભિયાનને બ્રેક લાગી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજ 20 હજાર વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ છે.
પરંતુ તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી 6 હજારનું વેક્સિનેશન થઇ રહ્યું છે. બાકીનાને ધક્કા ખાવા પડી રહ્યાં છે. જેમાં કોવિશીલ્ડનો અપુરતો જથ્થો હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં આજે 50 ટકા રસીકરણ કેન્દ્ર બંધ છે. વડીલો વેક્સિન માટે ટળવળી રહ્યા છે અને રસીકરણ કેન્દ્રો પરથી ધક્કા ખાય રહ્યા છે. શહેરના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આજે લોકો વેક્સિન અપાવવા માટે ઉમટ્યા હતા. વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી હતી.
પરંતુ કોવિશિલ્ડનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકો ટળવળ્યા હતા. મોટી ઉંમરના લોકો પણ ધક્કા ખાય રહ્યા છે પરંતુ વેક્સિન મળતી નથી. આથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કોરોના વેક્સિનની રસી મુકાવવા માટે સરકારે મહાઅભિયાન શરૂ કર્યું પરંતુ પુરતો સ્ટોક ન હોવાથી રાજકોટ મનપાની વેક્સિનેશન સાઇટ પરથી લોકોને પરત જવું પડે છે.
રવિવારે સાંજ સુધી મનપા પાસે કોવિશિલ્ડનો જથ્થો મળ્યો ન હોવાથી સોમવારે કોવેક્સિનથી જ કામ ચલાવવું પડશે.