કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો બનીને વેક્સિનેશનનો વિરોધ કરતી 2 મહિલા સહિત 8ની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી.
કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે કેટલાંક સ્ત્રી પુરુષો ભેગાં મળીને કોરોના વેક્સિન ન લેવા બાબતે ફેલાવો કરી રહ્યાં છે, તેવી જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી, જ્યાં 8 સ્ત્રી-પુરુષો માસ્ક પહેર્યા નગર વેક્સિન વિરુદ્ધની વાતચીત કરતાં જણાયાં હતાં.
જેથી પોલીસે તપાસ કરતાં તમામ અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રૂપના સભ્યો માસ્ક પહેર્યા વગર તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કોવિડ વેક્સિનેશનનો વિરોધ કરતાં હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તમામની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.
શહેરમાં કેટલાક દિવસોથી માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગેનો ભ્રામક પ્રચાર કરતી ટોળકી કાર્યરત થઇ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું અને પોલીસે રવિવારે આ ટોળકીને ઝડપી લીધી હતી.
ઝડપાયેલા પૈકી નરેન્દ્ર પરમાર દહેજની ખાનગી કંપનીમાં સિનિયર ઓપરેટર છે,જ્યારે ચન્દ્રકાંત મિસ્ત્રી વોટર રીસરોસ્સ વિભાગમાંથી નિવૃત્ત થયા છે.