એક તરફ સરકાર જાહેરાતો કરી લોકોને રસી લેવા આકર્ષિત કરી રહી છે તો બીજી તરફ લોકો રસી લેવા કેન્દ્રો પર પહોંચે ત્યારે રસીનો સ્ટોક ઉપલબ્ધ હોતો નથી.
છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશન પાસે રસીનો ખૂબ મર્યાદિત સ્ટોક આવી રહ્યો છે. અમદાવાદમાં વેક્સિનેશન મહાભિયાનની શરૂઆત થઈ ત્યારથી સરેરાશ રોજે 40 હજાર લોકોને રસી અપાઈ રહી છે.
મ્યુનિ. પાસે ત્રણ-ચાર દિવસનો એડવાન્સ સ્ટોક ઉપલબ્ધ રહેતો હતો. જોકે સોમવારે અમદાવાદમાં ફકત 25 હજાર લોકોને જ રસી આપી શકાય એટલો જ સ્ટોક ઉપલબ્ધ છે.
જો સોમવાર સાંજ સુધી રસીનો વધુ સ્ટોક નહીં આવે તો મંગળવારે શહેરમાં વેક્સિનેશન બંધ રાખવું પડશે. રાજ્ય સરકારે રવિવારે સાંજે પાંચ વાગ્યે કોર્પોરેશને ફકત 10 હજાર અને અમદાવાદ જિલ્લાને ફકત બે હજાર રસીના સ્ટોકનું એલોકેશન કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે એક લાખ રસીના ડોઝની ડિમાન્ડ કરી હતી તેની સામે રાજ્ય સરકારે ફકત 10 હજાર ડોઝ એલોકેટ કર્યા હતા. શહેરના લગભગ 400 રસી કેન્દ્રો ઉપર છેલ્લા ત્રણ દિવસમાં 85 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી.
રવિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિએ મ્યુનિ. પાસે ફકત 15,700 રસીના ડોઝનો સ્ટોક ઉપલબ્ધ હતો જેમાં સાંજે 10 હજાર રસીનો સ્ટોક એલોકેટ થતા મ્યુનિ. પાસે રસીનો કુલ સ્ટોક 25,700 થયો હતો.