૧૮ સપ્ટેમ્બરથી શરુ થનાર ચોમાસા સત્ર દરમિયાન ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકારને વિપક્ષ દ્વારા ઘેરવામાં આવશે

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો ભાજપ સરકાર દ્વારા સર્વત્ર કરવામાં આવી રહી છે.ત્યારે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં પણ ખેડૂતોની સ્થિતિ દયાજનક છે.પણ તેની માટે કોઈ એકજ સરકાર કે સ્થિતિને દોષિત ગણાવી શકાય નહિ પણ હા તે અંગેની ચિંતા કોઈ પણ સરકારને ચોક્કસ હોવી જ જોઈએ.અનામતની માંગ સાથે શરુ થયેલું પાટીદાર અનામત આંદોલન આજે ત્રણ વર્ષ પછી પણ જ્યાં હતું ત્યાંજ આવીને ફરી એક વખત ઉભું છે આ આંદોલનના મુખ્ય નેતા હાર્દિક પટેલ આ વખતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે ત્યારે બધા રાજકીય પક્ષો અને સમગ્ર પાટીદાર સમુદાયની નજર આજે હાર્દિક પટેલના અનશન પર છે.પાટીદારોને અનામત તેમજ ખેડૂતોના દેવામાફી અને યુવાનોને રોજગાર સહિતના મુદ્દાઓની ચર્ચાએ જોર પકડ્યું છે.હાર્દિકના આંદોલનનો આજે ૧૨મો દિવસ છે.ભાજપ દ્વારા ગઈકાલે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ સમગ્ર આંદોલનએ કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસની રહેમરાહ હેઠળ આ આંદોલન ગતિ પકડી રહ્યું છે.હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા તેમજ ખેડૂતના દેવા માફીની માંગ સાથે આજે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આજે સવારથી ત્રણ કલાક સુધી પ્રતિક ધરણા યોજાયા હતા. તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને કેન્દ્રમાં ખેડૂત વિરોધી ભાજપ સરકારના કારણે ખેડૂતોની દુર્દશા થઇ છે. આ સરકારને મત આપનાર ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓ તેમને અપાયેલા વચનોમાંથી એકપણ વચન પૂર્ણ નહીં થતા આજે હિસાબ માંગી રહ્યા છે.આ સરકારે ખેડૂતને દુઃખી કરી તમામ સમાજ અને વર્ગને દુઃખી કર્યો હોવાનું જણાવતા કહ્યું કે, રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો, પાક વીમો, ઊભા પાકને રક્ષણ, સિંચાઈ અને ૧૬ કલાક વીજળી સાથે દેવા માફ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ખેરાત કરતી આ સરકાર ખેડૂતોના દેવા માફી સાથે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ઉકેલ નહીં લાવે તો ખેડૂતોના સહકારથી ૧૮-૧૯ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *