ચીને તાઇવાન પર અત્યાર સુધીમાં વિક્રમજનક ૨૮ ફાઇટર જેટ મંગળવારે ઉડાડયા હતા, એમ ત્યાંના સંરક્ષમ મંત્રાલયે જણાવ્યું હતું. બૈજિંગ દ્વારા આ ટાપુ પર ગયા વર્ષે દૈનિક ધોરણે વિમાનોનો જે કાફલો મોકલવામાં આવે છે તે અત્યાર સુધીનો સૌથી મોટો કાફલો છે.
તાઇવાનના હવાઈદળે તેના પ્રતિસાદ રુપે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ ગોઠવ્યા છે અને તે ટાપુના દક્ષિણપશ્ચિમ હિસ્સા પર તેની એર ડિફેન્સ સિસ્ટમની મદદથી ચાંપતી નજર રાખી રહ્યું છે, એમ રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ચીને આ બળ ત્યારે દાખવ્યુ છે જ્યારે ગુ્રપ-સેવનના નેતાઓએ રવિવારે નિવેદન જારી કરીને તાઇવાન સામુદ્રધુનીના મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલનું આહવાન કર્યુ છે અને શાંતિ અને સ્થિરતાના મહત્ત્વની વાતો કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઝાઓ લિજિયને મંગળવારે જણાવ્યું હતું કે જી-૭ ચીનની આંતરિક બાબતોમાં જાણીબૂઝીને દખલ કરી રહ્યું છે. ચીન તેના રાષ્ટ્રીય સાર્વભૌમ, સલામતીઅને તેના હિતોનું સંરક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેણે જણાવ્યું હતું.