સ્વામિનારાયણ સાધુઓના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરો: મંદિર પ્રમુખ

ભુજ સ્વામિનારાયણ મંદિરના કેટલાક સંતોના વિવાદ બાદ કેન્યાના અને લંડનના સ્ટેનમોર મંદિરના પ્રમુખ અને નૈરોબીના પ્રમુખ સહિત ટ્રસ્ટીઓએ ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો અને ટ્રસ્ટીમંડળને ચેતવતો પત્ર લખ્યો છે. તેમાં જણાવાયું છે કે કોઈ પણ સાધુએ મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ રાખવા નહીં અને જો કોઈની પાસે હોય તો તાત્કાલિક જપ્ત કરી લેવા તાકીદ કરી છે. સંતો બહાર જાય ત્યારે પણ તેમના ડ્રાઈવર કે હરિભક્ત જે તેમની સાથે હોય છે તેમની પાસે મોબાઈલ હોય તે ચલાવી શકાય પણ સાધુઓએ પોતાની પાસે મોબાઈલ રાખવા નહીં તેવી સ્પષ્ટ તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે.

સાથોસાથ પ્રમુખ દ્વારા પાઠવેલા પત્ર અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોનો અભિપ્રાય અને આ અન્વયે શું પગલાં લેવાશે તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. નૈરોબીના ટ્રસ્ટીઓ દ્વારા પત્રમાં જણાવાયું છે કે, કેટલાક સંતો દ્વારા મોડી રાત્રે સભાઓ થાય છે અને ભાઈ-બહેનોની સભા સાથે થાય છે જેમાં એકબીજા ઉપર દ્રષ્ટિ પડ્યા વિના રહે નહીં. નિયમ ધરમ પણ સચવાતો નથી. હાલમાં જે ટીકાઓ થાય છે તેનું કારણ પણ સભાઓ હોઈ શકે જેથી આવી રાત્રીસભાઓ બંધ થવી જોઈએ.

સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોર,આફ્રિકાના પ્રમુખે પાઠવેલા પત્રોની તાકીદ
– ભુજ મંદિરના સાધુઓના બનાવથી મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયની છબી ખરડાઈ છે જે શરમજનક છે.
– સાધુનો ધર્મ સત્સંગ છે તે કરવું અને કરાવવું જોઈએ. હરિભક્તો પહેલેથી જ કહે છે સાધુઓ મોબાઈલ રાખે છે તે અયોગ્ય છે. સાધુ પાસે મોબાઈલ, આઈપેડ કે લેપટોપ ન હોવા જોઈએ.
– ભુજ મંદિરના ટ્રસ્ટીમંડળને અનુરોધ છે તેઓ મોબાઈલ વાપરે નહીં જો કોઈની પાસે હોય તો તાત્કાલિક જપ્ત કરવા.
– સંતો-પાર્ષદો, સાંખ્યયોગી બહેનો જે સ્માર્ટફોન વાપરે છે તેનાથી નિયમધર્મમાં રહેવું કઠણ બને છે અને ત્યાગીના નિયમ ધર્મમાંથી લપસી જવાય છે.
– ગાયોના ચારા માટે એકઠું થતું ફંડ જમા રહે તે યોગ્ય નથી. તેનો યોગ્ય ઉપયોગ કરો.
– ભુજ મંદિર હેઠળ ચાલતા ગુરુકુળોમાં લેવાતી ઊંચી ફી યોગ્ય નથી તે અંગે પણ વિચારણા કરવાની જરૂર છે. મધ્યમવર્ગને આ ફી પોસાતી નથી.
– સમય પ્રમાણે ચાલવું જોઈએ.

કુમકુમ મંદિરના સંતે નામ નહીં આપવાની શરતે કહ્યું કે – અત્યારના આધુનિક યુગ પ્રમાણે મોબાઈલ-લેપટોપનો ઉપયોગ કરવો આવશ્યક છે. સમય પ્રમાણે ચાલવું જોઈએ. કોઈ એક જગ્યાએ સડો હોય એટલે બધાને બદનામ કરાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *