બિહારમાં આરા શહેરના ચર્ચિત બૈગ કારોબારી ઇમરાન ખાનની હત્યાના કેસમાં સૃથાનિક કોર્ટે સોમવારે કુખ્યાત ખુર્શીદ કુરેશી સહિત 10 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે.
અલગ અલગ કલમોના આધારે આ સજા ઉપરાંત 2.60 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરાના એડીજે 9 મનોજ કુમારે આ સજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપી હતી.દોષીતોમાં ખુર્શીદ કુરેશીનો ભાઇ અબદુલ્લા પણ સામેલ છે. નવમી માર્ચે જ આ આરોપીઓને દોષીત જાહેર કરવામાં આવ્યા હતા.
કોર્ટે બધા જ આરોપીઓને હત્યા, અપરાધીક કાવતરૂ, આર્મ્સ એક્ટ તેમજ અન્ય કલમો હેઠળ દોષીત ઠેરવ્યા હતા. નોંધનીય છે કે ડિસેમ્બર 2018ના રોજ ધોળા દિવસે આરાના ધર્મન ચોક વિસ્તારમાં આવેલી શોભા માર્કેટમાં અપરાધીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં દુધ કટોરા નિવાસી બેગ કારોબારી ઇમરાન ખાનનું મોત નિપજ્યું હતું.