એક તરફ કોરોના કહેરથી આંશિક રાહત અનુભવી રહ્યા છે, ત્યારે બીજી તરફ દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અને હાલમાં જ શહેરમાં સમાવિષ્ટ કરાયેલા કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે.
જેમાં 50 જેટલા લોકો સારવાર હેઠળ છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં 6 લોકોના મોત થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના કેસ ઘટતા લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે.
ત્યારે કામરેજના કઠોર ગામના વિવેકનગરમાં એકાએક ઝાડા ઉલટીના કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો. ઝાડા ઉલટીની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 6 દર્દીના મોત નિપજ્યા હતા. કઠોર ગામને સુરત ગ્રામ્યમાંથી હાલમાં જ શહેર વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જેને પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈનના દૂષિત પાણીનું મિશ્રણ થવાથી પાણી જન્ય કોલેરા રોગ ફેલાયો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.