તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વીજમાળખાને ખેદાનમેદાન કરી નાંખ્યું છે ત્યારે કેટલાય વિસ્તારોમાં હજી અંધારપટ છવાયેલો છે. રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે ભાવનગરના કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગર શહેર સાથે જિલ્લાના જેસર, તળાજા અને ખાસ કરીને મહુવામાં તાઉતે વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો.
10 કલાક સુધી ફુંકાયેલા વાવાઝોડાએ 60 ટકા વીજમાળખાને ધરાશાયી કરી દીધું છે. ઠેર ઠેર વીજવાયરો અને ટ્રાન્સફરમરોને ભારે નુકશાન થયું છે. વાવાઝોડું શાંત થયા બાદથી વીજકંપનીની ટીમો વીજ પુરવઠો રાબેતા મુજબ કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં આ માટે ઉર્જા વિભાગના ૫ હજાર કર્મચારીઓ રાત- દિવસ એક કરીને કાર્ય કરી રહ્યાં છે. ભાવનગરમાં વીજ પુરવઠો સ્થાપિત કરવાં માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ અને યુ.જી.વી.સી.એલ અને અન્ય કંપનીઓના કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. રાજયના ઉર્જામંત્રી સૌરભ પટેલે ભાવનગરની મુલાકાત લઇ કલેકટર સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે વીજપુરવઠો રાબેતા મુજબ કરવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.