રશિયાના રાજધાની મોસ્કોમાં ભારત અને ચીન બંને દેશોના વિદેશ પ્રધાનોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સરહદ પર તણાવ ઘટાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગુરૂવારની રાત્રે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં બંને દેશોએ સરહદ પર તણાવ ઘટાડવા પાંચ મુદ્દાની એક સૂત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. ભારતના વિેદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે ભારત લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તણાવ વધારવા માગતું નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ચીન પ્રત્યેની ભારતની નીતિમાં કે ભારત પ્રત્યેની ચીનની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી.
ચીનના વિદેશ પ્રધાને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ભારત અને ચીન પાડોશી દેશ છે અને કેટલાક મુદ્દે અસંમતિ પણ છે જે પાડોશીઓ વચ્ચે સ્વાભાવિક ગણાય. દરેક અસંમતિને ચોક્કસ સંદર્ભમાં જોવી જોઇએ.
ભારત અને ચીન બંને દેશોએ પાંચ મુદ્દાની સમજૂતી તૈયાર કરી હતી. એ પાંચ મુદ્દાનો તાત્પર્ય આ પ્રકારનો હતો.
1. બંને દેશો વચ્ચેના પરસ્પરના મતભેદો યુદ્ધમાં ન પરિણમવા જોઇએ
2. બંને દેશોના લશ્કરે વિવાદિત સ્થળેથી પોતપોતાના સ્થાને પાછાં ફરી જવું
3. બંને દેશોએ નક્કી કર્યા મુજબ વાટાઘાટો ચાલુ રાખવી
4. બંને દેશોએ હાલ જે સમજૂતીઓ છે તે અને પ્રોટોકોલ્સને સ્વીકારવા
5.બંને માથી કોઈપણ દેશ તનાવ વધે એવું એક પણ પગલું નહીં ભરે.
ભારત અને ચીન બંને દેશોના વિદેશ પ્રધાનોની બેઠક બે કલાક ચાલી હતી. રશિયાની રાજધાની મોસ્કોના કોંગ્રેસ પાર્ક વિસ્તારમાં આવેલી વોલકોંસ્કી હૉટલમાં ગુરૂવારે મોસ્કો સમય પ્રમાણે રાત્રે આઠ વાગ્યે બેઠક યોજાઇ હતી.