ગુજરાતમાં વડગામમાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમને સફળ બનાવવા કચ્છની મુલાકાત લીધી હતી. દેશભરમાં એસ.સી/એસ.ટી કાયદાના બદલાવને લઈને આપવામાં આવેલા ભારત બંધના દિવસે જ જીગ્નેશ મેવાણીએ ૧૪ એપ્રિલના રોજ કચ્છ-સામખીયાળી હાઈવે ચક્કાજામ કાર્યક્રમ આપવાનું એલાન કર્યું હતું. આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે જો સરકાર આ અંગે વટહુકમ બહાર નહીં પાડે તો આ ચક્કાજામનો કાર્યક્રમ ચાલુ જ રહેશે.
જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના આ વલણની હું સખત ટીકા કરુ છુ. સુપ્રિમ કોર્ટનું આ વલણ એક રીતે દલિતો અને આદિવાસીઓ પર “જ્યુડિશીયલ એટ્રોસિટી” સમાન છે. અમારી માંગણી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જેમ શાહબાનો કેસની ઓર્ડિન્સ લાવવામાં આવ્યો હતો એવી જ રીતે આ કેસમાં પણ કેન્દ્ર સરકાર ઓર્ડિનન્સ લાવી સુપ્રિમ કોર્ટના ચુકાદાને નિરર્થક જાહેર કરે.
આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ દલિત અધિકાર મંચના નેજા હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદ્દારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ આંદોલનમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરને પણ જોડાવવા માટે અપીલ કરી છે. આ આંદોલનના કચ્છના સાંથણી વિસ્તારની જમીનના કબજા અંગે વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને સાંકળી લેવામાં આવ્યું છે.
જો કે આ પ્રશ્નો અંગે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સોમવારે રાજ્યના મુખ્યસચિવ જે.એન.સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. જો કે રાજ્ય સરકારે રાપર તાલુકાના પાંચ ગામની સાંથણીની જમીનનો કબજો દલિતોને આપવા તૈયારી દર્શાવી છે. તેવા સમયે જીગ્નેશ મેવાણીએ માંગ કરી છે કે આ જમીનનો વાસ્તવિક કબજો દલિતોને મળે તે સરકારે જોવાનું છે કારણ કે આ જમીન પર માથાભારે તત્વો કબજો કરી લેતા હોય છે.