દેશમાં કોરોનાની મહામારીમાં ખાનગી શાળાઓનો ફી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. વ્યવસાયિક વલણ અપનાવી રહેલા શાળા સંચાલકો ફી માટે હેરાનગતિ કરતા વાલીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. હાઇકોર્ટમાં અત્યારે તેનો કેસ ચાલી રહ્યોં છે અમદાવાદના પૂર્વ વિસ્તારની 35 સ્કૂલે દાખલો બેસાડતા ત્રિમાસિક ફીમાં 25 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની સ્કૂલના સંચાલકોના આ નિર્ણયથી ત્યાં ભણતા બાળકોના 60 હજાર જેટલા વાલીઓને આંશિક રાહત મળી છે. આ પરથી રાજ્યના અન્ય વિસ્તારની ખાનગી શાળાના સંચાલકોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા અને વસ્ત્રાલના શાળા સંચાલકોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 35 જેટલી શાળાઓના સંચાલકોએ એપ્રિલ, મે અને જૂન મહિનાની ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. આ રીતે આ સ્કૂલના વાલીઓને પહેલા ત્રિમાસિકની ફીમાં 25 ટકા રાહત મળશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફીમાં 25 ટકા રાહત આપવાથી વાલીઓને મોટી રાહત મળી છે.
નિકોલમાં આવેલ વેદાંત સ્કૂલના સંચાલક ભરતભાઈએ કહ્યું હતું કે વાલીઓની માગ અને કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને નરોડા, નિકોલ અને વસ્ત્રાલની શાળાઓ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે. જેમણે ફી ભરી દીધી હોય તેમને પણ આગામી ત્રિમાસિક ફીમાં રાહત મળશે. હાઇકોર્ટ કે સરકારનો જે પણ આદેશ આવશે તે માન્ય રહેશે. આ નિર્ણયથી આ ત્રણ વિસ્તારમાં 60,000 બાળકોના વાલીઓને ફીમાં રાહત મળશે. આશરે 7થી 8 કરોડની ફી માફી થઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈને અમે દરેકની આવકને થયેલી અસરને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો માનવીય અભિગમ અપનાવ્યો છે.