સુપ્રીમ કોર્ટ દ્વારા દીકરીઓના હક્કને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર રહેશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે દિકરી જન્મની સાથે જ પિતાની સંપત્તિમાં બરાબરની હકદાર થઇ જાય છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) કાયદો લાગૂ થયા પહેલા પિતાનું મૃત્યુ થયું હોય તો પણ દીકરી હિસ્સો મેળવવામાં હકદાર રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પિતાની સંપત્તિમાં દિકરીને પોતાના ભાઇથી જરાય ઓછો હક નહીં. દીકરીઓને પણ દીકરાની જેમ સમાન હક મળવો જોઇએ. દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે, પછી ભલે તેના પિતા જીવિત હોય કે ન હોય. અને જો દિકરીનું મૃત્યુ પણ 9 સપ્ટેમ્બર 2005થી પહેલાં થયું હોય તો પણ પિતાની પૈતૃક સંપત્તિમાં તેનો હક બની રહે છે. અને જો દિકરીના બાળકો ઇચ્છે તો પોતાની માતાના પિતા (નાના)ની સંપત્તિમાં હિસ્સો મેળવવાનો દાવો ઠોકી શકે છે. તેમને પોતાની માતાના અધિકારી તરીકે નાનાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે.