કારગિલ વિજય દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ત્રણ સેનાના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 21માં કારગિલ વિજય દિવસ પર જેમણે કારગિલની લડાઈ લડી હતી હું તે તમામ ભારતીય સેનાના જવાનો ને સલામ કરું છું. આ યુદ્ધ દુનિયાના આધુનિક ઈતિહાસની સૌથી પડકારજનક સ્થિતિમાં લડવામાં આવ્યું હતું. આજે કારગિલ વિજય દિવસ છે. ભારતીય સેનાના વીર જવાનોએ 1999માં કારગિલના દ્રાસ સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોરોએ કબ્જે કરેલ ભારતીય વિસ્તારને ફરી પાછો મેળવ્યો હતો.
રક્ષામંત્રી રજનાથ સિંહે જણાવ્યુ હતું કે, જેમણે દિવ્યાંગ હોવા છતા ભારતીય સેનામાં સેવા આપવાનું ચાલું રાખ્યું. આ લોકોએ તેમની રીતે દેશની સેવા કરી અને દેશ પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ રજુ કર્યું. હું એવા સૈનિકોનો પણ ખૂબ જ આભારી છું. કારગિલ વિજય માત્ર આપણા સ્વાભિમાનનું પ્રતીક નથી, આ અન્યાય વિરુદ્ધ ઉઠાવાયેલું એક મહત્વનુ પગલુ પણ છે.દેશની એકતા અને સંપ્રભુતા માટે કોઈ પણ પગલા લેવા માટે અમે તૈયાર છીએ.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કારગિલ વિજય દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીક છે. હું એ જવાનોને નમન કરું છું, જેમણે તેમના સાહસથી કારગિલના પહાડોમાંથી દુશ્મનને હરાવીને ભારતીય તિંરગો લહેરાવ્યો હતો. દેશની રક્ષા માટે સમર્પિત ભારતના વીરો પર દેશને ગર્વ છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ટ્વિટ કરતાં કહ્યું કે, કારગિલ દિવસ નીડરતા અને વીરતા નું પ્રતિક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી જણાવ્યુ કે, કારગિલ વિજય દિવસ આપણા સશસ્ત્ર બળોની નિડરતા, સંકલ્પ અને વીરતાનું પ્રતીક છે. હું એ વીર સૈનિકોને નમન કરું છું જેમણે દુશ્મનોનો સામનો કર્યો અને ભારત માતાની રક્ષા માટે જીવન ન્યોછાવર કરી દીધું. ભારત દેશ હંમેશા વીર જવાનો તેમજ તેમના પરિવારોનો ઋણી રહેશે
ભારતીય સેનાના ત્રણેય સેનાના પ્રમુખોએ પણ કારગિલના યુદ્ધના શહીદોને સલામી આપી હતી. નવી દિલ્હીના વોર મેમોરિયલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે તેમજ વાયુસેનાના પ્રમુખ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ ફુલ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. તેમની સાથે જ કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક પણ હાજર રહ્યા હતા.