થોડાક દિવસો પહેલા અભિનેતા ઇરફાન ખાને એક ટ્વિટ કરીને ભાગ્યે જ થતી બીમારી પોતાને થઇ છે તેવી જાણકારી આપી હતી. આ ટ્વિટ પછી તેમની બીમારીને લઇને ઘણી બધી અટકળો લગાવવામાં આવી હતી, ત્યારે ઇરફાનની પત્ની તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં તેમના દોસ્તોએ ઇરફાનની બીમારીને લઇને ખોટી અફવાઓ ના ફેલાવવા અપીલ કરી હતી. હવે ઇરફાન ખાને ટ્વિટ કરીને પોતાની બીમારી વિશે ખુલાસો કર્યો છે.
ઇરફાન ખાને ટ્વિટ કરીને લખ્યું હતું, ‘અનિશ્ચિતતાઓ આપણને સમજદાર બનાવે છે અને ગત કેટલાક દિવસો મારા માટે આવા જ રહ્યા છે. મને ન્યુરોઇન્ડોક્રાઇવ ટ્યૂમર થયું છે. અત્યાર સુધી આ સ્વીકારવું મુશ્કેલ હતું, પરંતુ તમારા બધાનાં પ્રેમે મને હિંમત આપી છે. આ બીમારીનાં ઇલાજ માટે દેશની બહાર જવું પડશે. હું દરેકને વિનંતી કરીશ કે તેઓ પોતાની પ્રાર્થનાઓમાં મને યાદ રાખે. કેટલીક અફવાઓ હતી, હું કહેવા માંગીશ કે ન્યૂરોનો મતલબ ફક્ત મગજ સાથે જ નથી. તમે ગૂગલ દ્વારા આના વિશે જાણકારી મેળવી શકો છો. જે લોકો મારા ટ્વિટની રાહ જોઇ રહ્યા હતા તેમને હું આ વિશે જણાવતો રહીશ.”
નોંધનીય છે કે ન્યૂરોઇન્ડોક્રાઇવ ટ્યૂમર એવી બીમારી છે જેમાં ન્યૂરોઇન્ડોક્રાઇવ સેલ્સ ટ્યૂમરમાં ફેરવાઇ જાય છે. આ બીમારીનાં ઇલાજ માટે ઇરફાન ખાન દેશની બહાર જશે. આશા રાખવામાં આવી રહી છે કે તેમને ઠીક થતા થોડોક સમય લાગશે, પરંતુ તેઓ સ્વસ્થ થઇને પાછા ફરશે.