કરોડોના ખર્ચે બનેલી વડનગરની અદ્યતન સિવિલ હોસ્પિટલમાં 4 એમ્બ્યુલન્સ મરામતના અભાવે ડચકાં ખાઈ રહી છે. પરિણામે દર્દીઓ ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. હાલમાં ધારાસભ્યએ આપેલી એક એમ્બ્યુલન્સ અને સંસદસભ્યએ આપેલી શબવાહિની ચાલુ છે, તેમાંય શબવાહિનીનું પાર્સિંગ તો હજુ બાકી છે.
વડનગર સિવિલમાં છ એમ્બ્યુલન્સ પૈકી 4 બંધ હાલતમાં છે. હાલમાં એક જ ચાલુ હોઈ એક દર્દી રીફર કરીને પાછી આવે પછી જ બીજા દર્દીને લઈ જઈ શકાય છે. એકના ટાયરમાંથી વાયર નીકળી ગયા છે. તો બીજીમાં શીટનાં પણ ઠેકાણાં નથી. સાયરન અને મીટર પણ બંધ છે. ટાયરના અભાવે અધવચ્ચે ખોટકાય ત્યારે દર્દીનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિ બને છે. ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલમાં પૂરતા તબીબો અને સગવડોના અભાવે દર્દીઓને અમદાવાદ અને ગાંધીનગર રિફર કરવા પડે છે.
આ દર્દીએ રિફર કરી એમ્બ્યુલન્સ પાછી આવે ત્યારે બીજા દર્દીને સુવિધા મળે છે. જ્યારે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ આગળ જ એમ્બ્યુલન્સ માટે પાર્કિંગ હોવા છતાં અહીં તબીબો અને અન્ય વાહનોનો ખડકલો હોય છે. જેથી એમ્બ્યુલન્સ બીજા ગેટ આગળ મુકાય છે. બંને વચ્ચે અંતર હોઇ ઈમરજન્સીમાં બીજા ગેટ સુધી બોલાવવા જાય પછી જ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મોડું પણ થઈ જાય છે. આ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા આરોગ્ય મંત્રી અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવનાર છે.