નબળા ચોમાસાને કારણે ખેતી માટે આઠ કલાક વીજળી આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જો કે રાજ્ય સરકારની જાહેરાતની સામે ખેતી માટે માત્ર બે જ કલાક વીજળી આપવામાં આવતા ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે.
ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા ખેતીને નુકસાન થાય નહીં તે માટે રાજ્ય સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની જાહેરાત બાદ પણ લોડને પહોંચી વળવા માટે ફિડરો બંધ કરી દેવામાં આવતા હોવાની ફરિયાદ ગ્રામજનોમાં ઉઠી હતી. વીજ કંપની દ્વારા ફિડરો બંધ કરીને વીજુ લોડને ડાયવર્ટ કરવામાં આવતો હતો. આથી આઠ કલાકની જાહેરાત બાદ પણ ખેડૂતોને દિવસમાં માંડ ચાર થી છ કલાક વીજળી મળતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ત્યારબાદ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર વિશ્વ લેવલે કોલસાની તંગી ઊભી થઈ છે. તેની અસર દેશમાં પણ જોવા મળી રહી છે. આથી વીજ સપ્લાય પહોંચી વળવા માટે વીજ કંપની દ્વારા વીજ કાપ મૂકવામાં આવ્યો હોય તેમ આઠ કલાકની સામે માત્ર બે જ કલાક વીજળી આપવામાં આવી રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. વીજળી ન મળવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.