ગયા સપ્તાહે દિલ્લીના એક્વિલા રેસ્ટોરાંમાં એક મહિલાને એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કારણકે તે સાડી પહેરીને પહોંચી હતી. ત્યારબાદ મહિલાએ વાત કરતો રેસ્ટોરાંના સ્ટાફનો એક વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો. ત્યારથી રેસ્ટોરાં પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પર હવે દક્ષિણ દિલ્લી નગર નિગમે એક્શન લીધી છે. સાથે જ રેસ્ટોરાંને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યુ છે. એક્વિલા રેસ્ટોરાંને થોડા દિવસો પહેલા એક નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેમાં હાલની ઘટનાનો ઉલ્લેખ નથી પરંતુ એ જરૂર કહેવામાં આવ્યુ છે કે તે રેસ્ટોરાં હેલ્થ ટ્રેડ લાયસન્સ વિના ચાલી રહ્યુ હતુ. આ મામલે સાઉથ એમસીડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રેસ્ટોરાં 27 સપ્ટેમ્બરના રોજ બંધ થઈ ગયુ. આના માટે 24 સપ્ટેમ્બરના રોજ એક ક્લોઝર નોટિસ જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સાર્વજનિક સ્વાસ્થ્ય નિરીક્ષકે 21 સપ્ટેમ્બરના રોજ તપાસ દરમિયાન જાણ્યુ કે માલિક પાસે હેલ્થ ટ્રેડ લાયસન્સ નથી. સાથે જ તે અસ્વચ્છ પરિસ્થિતિઓમાં સંચાલિત થઈ રહ્યુ હતુ.