ગાંધીનગર માં ભાજપે નો રિપીટની થિયરી સાથે નવી સરકાર રચતા પૂર્વમંત્રીઓને મંત્રીપદની સાથે સત્તા અને નિવાસનો વિશાળ બંગલો પણ છોડવાનો વારો આવ્યો છે. સત્તામાં નહીં તો સત્તાની નજીક રહેવા માટે ગાંધીનગરમાં નિવાસ કરવા અનેક મંત્રીઓ દ્વારા અન્ય સેક્ટરોમાં સરકારી બંગલાની માગણી કરવામાં આવી છે.
મોટાભાગના મંત્રીઓએ બંગલા ખાલી કરી દીધા છે પરંતુ કેટલાક મંત્રીઓને ગાંધીનગરમાં રહેવા માટે સેક્ટર-19 કે 20માં સરકારી બંગલો ફાળવવાની ઇચ્છા દર્શાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ચોક્કસ અને વ્યાજબી કારણ હોય તો પૂર્વ મંત્રીઓને સરકારી બંગલો મળી શકે છે પરંતુ તેનો નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએથી લેવાશે. આ મંત્રીઓને માત્ર 4800 રૂપિયાના માસિક આર્થિક ભાડાથી સરકારી બંગલો મળી શકે છે.