કોરોના સંક્રમણ બાદ હવે ધોરણ 6થી 8ના વર્ગખંડો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કેસો નિયંત્રણમાં આવતાની સાથે જ શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેના નિર્ણયો લેવા શરૂ કર્યા છે. પરંતુ હજી વાલીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં વાલીઓએ માત્ર 24 ટકા જેટલા જ સંમતિ પત્ર મોકલ્યા છે. જે સૂચવે છે કે વાલીઓ હજી પણ પોતાના બાળકોને કોરોના સંક્રમણના ડરના કારણે શાળામાં મોકલવા માનસિક રીતે તૈયાર નથી. એક વાલીએ જણાવ્યું હતું કે, આટલો સમય રાહ જોયા બાદ હવે વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી લાગતું.