વસંત વિહાર વિસ્તારમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. આર. કુમારમંગલમની પત્નીની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 67 વર્ષીય કિટ્ટી મંગલમની ઓશિકાથી ચહેરો દબાવીને હત્યા કરવામાં આવી છે. ઘરનો ધોબી અને તેના 2 સાથીઓ પર હત્યાનો આરોપ છે. જે બાદ પોલીસે ધોબી રાજુની ધરપકડ કરી હતી.પોલીસને શંકા છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે.
આ ઘટના મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતિ મુજબ ઘરમાં કામ કરતા વ્યક્તિએ ધોબીને ઓળખી લીધો હતો. જે બાદ આરોપીએ તેને બંધક બનાવીને રૂમમાં બંધ કરી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિટ્ટી કુમારમંગલમની હત્યા ઘરમાં લૂંટ બાદ થઈ હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.ઘટના સમયે કિટ્ટી મંગલમ તેમના નોકર સાથે ઘરમાં એકલા હતા. તકનો લાભ લઈ આરોપીએ તેની હત્યા કરી હતી. કિટ્ટી કુમારમંગલમ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર કોંગ્રેસનો નેતા છે. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ તે બેંગ્લોરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમના પતિ પીઆર કુમારમંગલમ પીવી નરસિંહ રાવ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા. વાજપેયી સરકારમાં તેઓ પાવર મંત્રી પણ હતા.