ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે.અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લિવરનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી હતી અને કિડની તેમજ લીવર અમદાવાદની હોસ્પિટલમાં લઇ જઇ 3 વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું હતું.
અંગદાન એ મહાદાન આ સૂત્ર આપણે ઘણી વાર વાંચ્યું કે સાંભળ્યું હશે પરંતુ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પ્રથમ વખત આ સૂત્ર સાર્થક થયું છે અને તેનાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું છે.
સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલ કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન રાયમાં ગામ નજીક માર્ગમાં ભૂંડ આવી જતા અકસ્માત સર્જાયો હતો આથી તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી દવાખાને આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ગંભીર ઇજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આથી તેબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપી પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી.