કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી મનાલીના ત્રણ દિવસીય પ્રવાસે છે. પ્રથમ દિવસ એટલે કે બુધવારના રોજ એક અપ્રિય ઘટનાનો વીડિયો સામે આવ્યો, જેમાં મુખ્યમંત્રી જયકામ ઠાકુરના સુરક્ષાકર્મીઓ દ્વારા પોલીસ અધિકારીઓને લાત મારતા દેખાયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ ગયો હતો. ત્યારે હવે તેના પર સીએમ ઠાકુરનું નિવેદન પણ આવ્યુ છે. તેમણે કહ્યુ હતું કે, આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તપાસના આદેશ આપ્યા છે. ત્રણ દિવસમાં રિપોર્ટ આવશે.
જે પણ દોષિ હશે તેમના વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.હકીકતમાં જોઈએ તો, કુલ્લુ પ્રવાસ પર આવેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર બપોરે ભુંતર એરપોર્ટ પહોંચ્યા હતા અને નીતિન ગડકરીને આવકાર્યા હતા. આ પછી જ્યારે કેન્દ્રીય પ્રધાનનો કાફલો એરપોર્ટથી નીકળવાનું શરૂ કર્યુ ત્યારે કોઈ મુદ્દે પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના ભુંતર એરપોર્ટની બહાર બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિન ગડકરીનો કાફલો ભુંતર એરપોર્ટથી મનાલી તરફ જઈ રહ્યો હતો.