સુરતના ભેસ્તાન વિસ્તારમાં કાટમાળ પડવાના કારણે એક વર્ષીય બાળકીનું મોત

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવાસની છતનો કાટમાળ પડવાના કારણે એક વર્ષીય બાળકીનું મોત થયું છે જયારે તેના માતા-પિતાને સામાન્ય ઇજા પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા આવાસના રહીશોએ નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાવો યોજી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

સુરતમાં ગોલવાડ બાદ હવે ભેસ્તાનમાં મકાન તુટવાની ઘટના સામે આવી છે. ભેસ્તાનમાં બનાવવામાં આવેલાં આવાસો આઠ વર્ષમાં જ જર્જરીત બની ગયાં છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો જીવના જોખમ સાથે આવાસોમાં વસવાટ કરી રહયાં છે. ભેસ્તાન આવાસમાં મુળ મધ્યપ્રદેશનો પરિવાર ભાડેથી રહેતો હતો.

ગત રાત્રિના સમયે માતા-પિતા અને તેમની પુત્રી ઉંઘી રહયાં હતાં તે સમયે અચાનક છતના પોપડા ખરવા લાગ્યા હતાં. સિમેન્ટ અને કોંક્રિટના મોટા ટુકડાઓ પરિવારના સભ્યો પર પડયાં હતાં. અચાનક થયેલા અવાજના પગલે આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં. તેમણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તબીબોએ મૃત ઘોષિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *