હવામાન વિભાગ છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે. પરંતુ ઝાપટા તો ઠીક પરંતુ અમી છાંટણા પણ થતા નથી અને લોકો અસહ્ય બફારાથી ત્રસ્ત બની ગયા છે.
ત્યારે આજે વહેલી સવારે રાજકોટના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. બાદમાં ઝરમર વરસાદ વરસવાનું શરૂ થતા શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાયા હતા. વરસાદ પડવાની શક્યતાને લઇને ખેડૂતોએ ઓગાતરૂ વાવેતર કરી દીધું છે.
પરંતુ વરસાદ ખેચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આજે વહેલી સવારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળતા આજે વરસાદ પડે તેવી પુરી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે. પરંતુ હજી સુધી રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરૂ વાવેતર કરી દીધું છે.
